ધર્મ સેવકો માટે આચાર સંહિતા

ધર્મ સેવાના મહત્ત્વ પર ગોએંકજીનો સંદેશ

સેવા આપતી વખતે, તમે શીખો છો કે દૈનિંદિન જીવનમાં ધર્મનો કેવી રીતે ઉપયોગ કરવો. આખિરકાર, દૈનિક જવાબદારીઓથી ભાગી જવું ધર્મ નથી. અહીં ધ્યાન શિબિરની અથવા કેન્દ્રની નાની દુનિયામાં સાધકો અને પરિસ્થિતિઓ સાથે ધર્મના અનુકૂળ વ્યવહાર કરતાં શીખી, બહારની દુનિયામાં એવી જ રીતે કામ કરવા તમે તમારી જાતને પ્રશિક્ષિત કરો છો. અનચાહી ઘટનાઓ થતી રહેવા છતાંય, તમે મનનું સંતુલન જાળવી રાખવાના પ્રયત્નોનો અને પ્રતિભાવમાં મૈત્રી અને કરુણા જગાડવાનો અભ્યાસ કરો છો. આ જ પાઠ છે જેમાં નિપુણ થવાનો તમે અહીં પ્રયત્ન કરો છો. તમે પણ એટલા જ સાધક છો જેટલા કે જેઓ શિબિરમાં બેઠા છે.

બીજાઓની વિનમ્રતાથી સેવા કરતાં શીખતા રહો. એવું વિચારતા રહો, “હું અહીં પ્રશિક્ષણમાં છું, બદલામાં કઈં અપેક્ષા રાખ્યા વિના સેવા કરવાનો અભ્યાસ કરવા. હું કામ કરું છું જે થી બીજાઓને ધર્મનો લાભ મળે. એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરી મને તેઓની મદદ કરવા દે, અને આમ કરવામાં, મારી પોતાની પણ મદદ કરું.”

તમે બધા જેઓ ધર્મ સેવા આપી રહ્યા છો ધર્મમાં પ્રબળ થાઓ. તમે બીજાઓ માટે તમારી સદ્ભાવના, મૈત્રી અને કરુણાનો વિકાસ કરતાં શીખો. તમે બધા ધર્મમાં પ્રગતિ કરો, અને સાચી શાંતિ, સાચી મૈત્રી, સાચું સુખ નો અનુભવ કરો.

એસ.એન. ગોએંકા

ધર્મ સેવા તમને સર્વશ્રેષ્ઠ લાભકારી સાબિત થાય. સફળતા માટે શુભેચ્છાઓ સાથે અમે નીચેની માહિતી આપીએ છીએ. કૃપા કરીને સેવા આપવા આવતાં પહેલાં એને કાળજીપૂર્વક વાંચજો.

નિઃસ્વાર્થ સેવા

નિઃસ્વાર્થ સેવા ધર્મ પથનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, મુક્તિની દિશામાં એક મહત્ત્વનું પગલું. વિપશ્યનાનો અભ્યાસ મનની અશુદ્ધિઓને ધીરે ધીરે નાબૂદ કરે છે અને એક સમય એવો આવે છે કે આંતરિક શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં, આ દુખથી મુક્તિ આંશિક જ હોઇ શકે, તે છતાંય ધર્મની અદ્ભુત શિક્ષા મળી હોવાથી એ ઊંડો કૃતજ્ઞતાનો ભાવ જગાડે છે. આ મૈત્રી અને કરૂણાની ભાવના સાથે બીજાઓને દુખમાંથી બહાર આવવાની મદદ કરવાની ઇચ્છા કુદરતન જાગે છે. શિબિરોમાં સેવા આપવું એક મોકો આપે છે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, લોકોની મદદ દ્વારા જેમ તેઓ ધર્મ શીખે છે, બદલામાં કઈં પણ અપેક્ષા રાખ્યા વગર. બીજાઓની નિઃસ્વાર્થ સેવા કરવાથી, આપણે દસ પારમીઓનો વિકાસ કરી અને અહં જગાડવાની ટેવને ઓગાળી પોતાની પણ સેવા કરીએ છીએ.

ધર્મ સેવા માટે કોણ યોગ્ય છે

સાધકો જેમણે એક દસ દિવસીય શિબિર ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્ય સાથે પૂર્ણ કરી છે, અને જેમણે તેમના છેલ્લા શિબિર પછી અન્ય કોઈ ધ્યાન વિધિનો અભ્યાસ નથી કર્યો, તેઓ ધર્મ સેવા આપી શકે છે. સેવકોને ઘરે દૈનિક સાધનાનો અભ્યાસ જાળવી રાખવા પ્રયત્નશીલ રહે તેવું પ્રોત્સાહન આપવામાં આવે છે.

અનુશાસન સંહિતા

સિવાય કે અહીં અન્યથા કહેવામાં આવ્યું છે, ધમ્મ સેવકોએ, જ્યાં સુધી શક્ય હોય, ધ્યાન શિબિરો માટે બનેલી અનુશાસન સંહિતામાં આપેલા નિયમોનું પાલન કરવું જોઈએ. તે નિયમો સેવકોને પણ લાગુ થાય છે. જોકે અમુક સંજોગોમાં, તેમાં થોડી ઢીલ જરૂરી હોય છે, અને તેની પરવાનગી છે.

પંચશીલ

પંચશીલનું પાલન આચારસંહિતા ની આધારશીલા છે: જીવ હત્યાથી વિરત રહેવું. ચોરી થી વિરત રહેવું. વ્યભિચારથી વિરત રહેવું (અર્થાત, કેન્દ્ર પર, દરેક પ્રકારના યૌન સંબંધી પ્રવૃત્તિથી વિરત રહેવું). જૂઠું બોલવાથી વિરત રહેવું. દરેક પ્રકારના નશા-પતાથી વિરત રહેવું.

કેન્દ્ર પર રહેવાવાળા દરેક વ્યક્તિ માટે આ પાંચ શીલ ફરજિયાત છે અને હર હંમેશ તેમનું ચોકસાઇપૂર્વક પાલન કરવું જોઈએ. એ અપેક્ષિત છે કે જેઓ સેવા આપી રહ્યા છે તેઓ પણ તેમના રોજિંદા જીવનમાં પાંચ શીલનું પાલન કરવાનો ગંભીરતાથી પ્રયત્ન કરે છે.

માર્ગદર્શન નો સ્વીકાર

ધ્યાનમાં અથવા સેવામાં વરિષ્ઠ છે તેઓની સલાહ અને માર્ગદર્શન પ્રત્યે આજ્ઞાધીન થઈ, ધમ્મ સેવકોએ આચાર્યો, સહાયક આચાર્યો, અને વહીવટી અને વ્યવસ્થાપન સમિતિઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જેઓ જવાબદાર છે તેમની મંજૂરી વિના અથવા માર્ગદર્શનની વિરુદ્ધ, સ્થાપિત કાર્ય પ્રણાલીને બદલવાથી અથવા નવી યોજનાઓ શરૂ કરવાથી મૂંજવણ વધશે, બેવડી મહેનત કરવી પડશે અને સમય અને વસ્તુઓનો દુર્વ્યય થશે. માર્ગદર્શનથી સ્વતંત્રપણે કામ કરવાનો આગ્રહ; સહકાર અને સૌહાર્દની મનોભાવના જે ધર્મના વાતાવરણને આવરી લે છે તેની સાથે અસંગત છે. સૂચનાઓનું પાલન કરી સેવકો વ્યક્તિગત પસંદગીઓ અને નાપસંદો ને દૂર રાખતાં અને સાધકોના હિત માટે અને શિબિરો તથા કેન્દ્રને સુચારુરૂપ અને સૌહાર્દપૂર્ણ ચલાવવા માટે જે જરૂરી છે તે કરવું શીખે છે. સમસ્યાઓનું ખુલ્લા દિલે અને નમ્રતાથી નિરાકરણ કરવું જોઈએ. સકારાત્મક સૂચનો હંમેશા આવકારદાયક છે.

સાધકો સાથે સંબંધ

દરેક પરિસ્થિતિમાં ધર્મ સેવકોએ સાધકો જેઓ શિબિરમાં બેઠા છે તેમના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. શિબિરો અને કેન્દ્રો સાધકો માટે હોય છે; તેઓ સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ છે, સૌથી વધુ આવશ્યક કામ કરી રહ્યા છે. ધર્મ સેવકનું કામ શક્ય બને તે રીતે સાધકની સહાયતા કરવાનું છે. તેથી સાધકોને નિવાસ અને ભોજનમાં અગ્રીમતા આપવી જોઈએ. સિવાય કે ફરજ પર જવાની જવાબદારી હોય, ધર્મ સેવકોએ તેમનું ભોજન ના લેવું જોઈએ જ્યાં સુધી સાધકોને ભોજન મળી ગયું છે, અને ભોજનાલયમાં તેઓએ સાધકો સાથે ના બેસવું જોઈએ. ધર્મ સેવકોએ બાથરૂમનો નહાવા ધોવા માટે ઉપયોગ સાધકોના સમય કરતાં અન્ય સમયમાં કરવો જોઈએ, અને સાધકો સૂઈ જાય પછી જ સુવા જવું જોઈએ, કોઈ તકલીફ કે સમસ્યા ઉત્પન્ન થાય તો સેવા આપવા ઉપલબ્ધ રહેવા. બાકી બધી સુવિધાઓ માટે પણ સાધકોને પ્રાથમિકતા આપવી જોઈએ, અને સેવકોએ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સાધકોને ખલેલ પહોંચાડવું ટાળવું જોઈએ.

સાધકો સાથે વ્યવહાર

ફક્ત શિબિર પ્રબંધકોએ સાધકો સાથે સીધી વાત કરવી જોઈએ – મહિલા પ્રબંધકે મહિલા સાધિકાઓ સાથે, પુરુષ પ્રબંધકે પુરુષ સાધકો સાથે. તેમણે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સાધકો નિયમો અને સમય સારણીનું પાલન કરે છે કે નહીં, અને જે લોકો એમ નથી કરી રહ્યા તેમની સાથે વાતચીત કરવી જરૂરી હોઇ શકે. આ કામ હંમેશા મૈત્રી સભર અને કરુણા પૂર્વક કરવું જોઈએ, એવા ભાવ સાથે કે સાધકોને તેમની મુશ્કેલીઓમાં થી બહાર આવવાનું પ્રોત્સાહન મળે. શબ્દોની ગોઠવણી કાળજીપૂર્વક કરવી જોઈએ, સકારાત્મક ભાવથી – ક્યારેય નિષ્ઠુરતાથી નહીં. જો આમ કરવા કોઈ સક્ષમ ના હોય તો બીજાસહકર્મચારીએ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. પ્રબંધકોએ કોઈ દેખીતી ગેરવર્તણુંકના કારણ વિશે અનુમાન બાંધ્યા વિના પૂછપરછ કરવા હંમેશા કાળજી લેવી જોઈએ.

બધા ધર્મ સેવકોએ વિવેકી અને માનસભર હોવું જોઈએ, અને જ્યારે સંપર્ક કરવામાં આવે મદદ કરવા ઉપલબ્ધ હોવું જોઈએ. સામાન્ય રીતે સાધકનું નામ પૂછવું ઉપયોગી નીવડે છે. સેવકોએ સાધકોને યોગ્ય વ્યક્તિ સાથે મળાવી દેવું જોઈએ, ઓછામાં ઓછી વાતચીત અથવા વિક્ષેપ સાથે – કાં તો સહાયક આચાર્ય સાથે અથવા શિબિર પ્રબંધક સાથે – સમસ્યાના પ્રકારના આધારે. ધર્મ સેવકોએ સાધકોના સાધના સંબંધી પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન ના કરવો જોઈએ, પણ આવા પ્રશ્નો સહાયક આચાર્યને પૂછવા કહેવું જોઈએ. સહાયક આચાર્યોને સાધકો સાથે પ્રબંધકો દ્વારા થતા સંપર્કની જાણકારી હોવી જોઈએ. સાધકોની વ્યક્તિગત માહિતી રસોડામાં અથવા અન્ય ક્ષેત્રોમાં કામ કરતા બીજા સેવકો સાથે ક્યારેય બિનજરૂરી ચર્ચા ના કરવી જોઈએ.

સેવકો માટે ધ્યાનનો અભ્યાસ

ધર્મ સેવકોએ, સમય બગાડ્યા વગર, તેમના કામને પૂરું ધ્યાન આપી, નિષ્ઠાથી સેવા આપવી જોઈએ; આ તેમનું પ્રશિક્ષણ છે. એની સાથે સાથે, તેમણે તેઓનો ધ્યાનનો અભ્યાસ પણ જાળવી રાખવો જોઈએ. દરેક સેવકે ઓછામાં ઓછું ત્રણ કલાક રોજ ધ્યાન કરવું જોઈએ; શક્ય હોય તો, આ 8:00 a.m., 2:30 p.m. અને 6:00 p.m વાગ્યાના સામૂહિક સાધના દરમ્યાન હોવું જોઈએ. તે ઉપરાંત, રોજ સાંજે જ્યારે સહાયક આચાર્ય હાજર હોય છે, રાત્રે 9.00 વાગ્યે ધમ્મ હૉલમાં સેવકો માટે ધ્યાનનું નાનું સત્ર હોય છે. ધ્યાનના આ સત્રો ધર્મ સેવકોની સ્વસ્થતા માટે જરૂરી છે.

બધા જ સમયે સેવકોની જવાબદારી છે કે તેઓ આત્મ-નિરીક્ષણ કરતા રહે. હરેક સંજોગોમાં તેમણે સમતામાં રહેવાનો અને મનોભાવ પ્રત્યે સજગ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો થાકના લીધે અથવા અન્ય કોઈ કારણસર એમ નથી કરી શકતા, તો તેઓએ વધારે ધ્યાન અથવા આરામ કરવો જોઈએ, એમનું કામ ગમે તેટલું અગત્યનું લાગતું હોય તો પણ. સેવકોએ તેમની જાતને અપરિહાર્ય ના સમજવું જોઈએ. આપણે ત્યારેજ યોગ્ય સેવા આપી શકીએ છીએ જ્યારે આપણી અંદર શાંતિ અને સૌહાર્દ હોય છે. જો આધાર જ સકારાત્મક નથી, તો જે કામ થશે તે સાચા અર્થમાં લાભકારી નહીં થાય. સેવકો જે કેન્દ્ર પર લાંબા સમય માટે રહે છે તેમણે સમય સમય પર 10 દિવસીય શિબિરમાં બેસવું જોઈએ, બધુંજ કામ બાજુ પર મૂકી, અને ધર્મ સેવા આપી હોવાના પરિણામ સ્વરૂપે વિશેષ પસંદગી અથવા અધિકારની અપેક્ષા રાખ્યા વિના.

સહાયક આચાર્યોને મળવું

સેવકોએ કોઈ પણ સમસ્યાઓ અને મુશ્કેલીઓની ચર્ચા આચાર્યો અને સહાયક આચાર્યો સાથે કરવી જોઈએ. સેવા સંબંધી અથવા સામાન્ય બાબતો વિશે પ્રશ્નો પૂછવાનો યોગ્ય સમય રાત્રે 9.00 વાગ્યા પછીનું સેવકો માટેનું મૈત્રી સત્ર છે. વ્યક્તિગત મુલાકાતો પણ યોજી શકાય. સહાયક આચાર્યની ગેરહાજરીમાં, સેવકોએ પ્રશ્નો અથવા મુશ્કેલીઓ કેન્દ્ર પ્રબંધન પાસે લઈ જવી જોઈએ.

પુરુષ મહિલા પાર્થક્ય

પાર્થક્યનો આ નિયમ હંમેશા લાગુ પડે છે, શિબિરોમાં અને શિબિરોના વચગાળામાં. કામ કરવાના સીમિત માહોલમાં, જ્યાં સેવકો માટે પૂરું પાર્થક્ય રાખવું વ્યાવહારિક નથી, ત્યાં આ પરિસ્થિતિને પુરુષો અને મહિલાઓ માટે ધર્મ સેવા આપવા જરૂરી છે તેનાથી વધુ એક બીજાથી પરિચિત થવાની તકની ઘેરસમજ ના થવી જોઈએ. આ નિયમ દંપતિઓ માટે હજુ વધુ મહત્વનો છે.

શારીરિક સંપર્ક

કેન્દ્રના ધ્યાનાનુકૂલ પવિત્ર વાતાવરણને અને અભ્યાસની આંતરમુખી પ્રકૃતિને જાળવી રાખવા, અને સાધકો માટે આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરવા,તમામ ધર્મ સેવકોએ સાધકો સાથે અને બંને જાતિના સેવકો સાથે કોઈ પ્રકારના શારીરિક સંપર્કથી દૂર રહેવું જોઈએ. આ નિયમનું પાલન શિબિરો દરમ્યાન અને બે શિબિરોના વચગાળામાં, હંમેશા કરવાનું છે.

સમ્યક વાણી

સાધકોના આર્ય મૌનનો ધર્મ સેવકો દ્વારા આદર થવો જોઈએ. તેઓએ ધ્યાન પરિસરમાં મૌન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જરૂર હોય ત્યારેજ બોલવું જોઈએ. સાધકોને સંભળાય તેમ ના હોય તો પણ અથવા કોઈ શિબિર ના ચાલી રહ્યું હોય તો પણ, એ મહત્ત્વપૂર્ણ છે કે નકામું મૌનનું વાતાવરણ ના બગાડવું.

જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે, ધર્મ સેવકોએ સમ્યક વાણીનો અભ્યાસ કરવો જોઈએ, નીચેનાથી વિરત રહી:

  • જૂઠું અથવા સત્યથી કઈં ઓછું બોલવાથી.
  • કઠોર ભાષા અથવા નિષ્ઠુર શબ્દોથી. જેઓ ધર્મનો અભ્યાસ કરે છે તેઓ હંમેશા વિનમ્ર અને મૃદુ-ભાષી હોવા જોઈએ.
  • નકામી ગપશપથી, ગાવાથી, સિટી વગાડવાથી, ગણગણાટથી.

નિઃસંદેહ, સમ્યક વાણી મૌન કરતાં ઘણી વધારે અઘરી છે. એટલા માટે ધર્મ પથ પર ચાલનારાઓ માટે ઘણું મહત્ત્વપૂર્ણ પ્રશિક્ષણ.

વ્યક્તિગત પહેરવેશ

અન્ય લોકોની દૃષ્ટિમાં, ધર્મ સેવકો સાધના વિધિના તથા કેન્દ્રના પ્રતિનિધિ છે. આ કારણથી, સેવકોનો દેખાવ હંમેશા સાફ-સૂથરો હોવો જોઈએ, અને તંગ, પારદર્શી, ભડકીલા અથવા અંગ પ્રદર્શન કરતા અથવા વિશેષ આકર્ષણ ઉત્પન્ન થાય તેવા પહેરવેશથી દૂર રહેવું જોઈએ (જેમ કે ચડ્ડીઓ, ટૂંકા સ્કર્ટ, ટાઈટ્સ અથવા લેગિંગ્સ, બાંય વિનાના અથવા નાના ટોપ્સ). ઝવેરાત ઓછામાં ઓછા હોય અથવા બિલકુલ ના પહેરવા. આ નમ્રતાનો ભાવ હર હંમેશ વર્ચસ્વ ધરાવે છે.

બીડી સિગારેટનો ઉપયોગ

એવું માની લેવામાં આવે છે કે જેણે ધર્મનો સ્વીકાર કર્યો છે તે હવે પછી નશીલા પદાર્થ જેમ કે દારૂ, હશીશ, મરીજુઆના, અને એવા બધાના ઉપયોગમાં શામેલ નથી. તંબાકુનો ઉપયોગ કોઈ પણ રૂપમાં પૂર્ણ રૂપે પ્રતિબંધિત છે, ધ્યાન ક્ષેત્રની અંદર કે બહાર. તેમ જ ધર્મ સેવકોએ પરિસર છોડી બીડી સિગારેટ પીવા ના જવું જોઈએ.

ભોજન

કેન્દ્ર પર સાદું, સાત્વિક, શાકાહારી ભોજન આપવામાં આવે છે, કોઈ ખાસ ભોજન પ્રણાલીને અગ્રાધિકાર આપ્યા વિના. એ અપેક્ષિત છે કે ધર્મ સેવકો, સાધકોની જેમ, જે આપવામાં આવ્યું છે તેને ગૃહ-ત્યાગના ભાવથી સ્વીકાર કરે.

કારણ કે શિબિરોમાં તૈયાર કરેલું અને પીરસાતું ભોજન સંપૂર્ણ રીતે શાકાહારી હોય છે, એવી ખાદ્ય સામગ્રી જેમાં દારૂ કે માદક પદાર્થ હોય, ઈંડા અથવા જેમાં ઈંડા હોય (અમુક બેકરીની વસ્તુઓ, મેયોનેઝ, વગેરે), અથવા ચીઝ જેમાં પ્રાણીનું તત્વ હોય, તે કેન્દ્ર પર ના લાવવી. સામાન્ય રીતે, બહારથી કોઈ પણ ભોજન લાવવાની પ્રથા ઓછામાં ઓછી રાખવી.

સેવકો પાંચ શીલનું પાલન કરે છે અને તેથી જો તેઓ ઇચ્છતા હોય તો સાંજે ભોજન લઈ શકે છે. ઉપવાસ કરવાની પરવાનગી નથી.

અધ્યયન (વાંચન)

જે સેવકો સામયિક ઘટનાઓની જાણકારી રાખવા ઇચ્છુક હોય તેઓ, ફક્ત ધર્મ સેવકોના આરામ માટે નિશ્ચિત ક્ષેત્રમાં અને સાધકોની નજરો થી દૂર, છાપું અથવા સમાચાર પત્રિકાઓ વાંચી શકે છે. જો કોઈ દૈનિક સમાચારથી વધારે વાંચન કરવા ઇચ્છે છે તો તેઓ વાંચન માટે ભલામણ કરેલ સૂચિમાં દર્શાવેલ અથવા કેન્દ્ર પરના ધાર્મિક પુસ્તકાલયમાંની ચોપડીઓમાંથી પસંદ કરી શકે છે. મનોરંજન માટેની નવલકથાઓ અથવા અન્ય પુસ્તકો વાંચવાની મનાઈ છે.

બાહ્ય સંપર્ક

સેવકોએ બહારની દુનિયાથી સંપૂર્ણ રીતે અલગ થઈ જવું જરૂરી નથી. છતાંય શિબિરમાં સેવા આપતી વખતે, તાત્કાલિક કામ થી જ શિબિર પરિસર છોડવું જોઈએ. ટેલિફોન કોલ જરૂર પ્રમાણે ઓછામાં ઓછા રાખવા જોઈએ. અંગત મુલાકાતીઓ પ્રબંધકોની પૂર્વાનુમતિ થી જ કેન્દ્ર પર આવે.

કેન્દ્રની સ્વચ્છતા જાળવવું

ધમ્મ સેવકોની ફરજ છે કે કેન્દ્રને સાફ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે. રસોઈઘર અને ભોજનકક્ષ ઉપરાંત, નિવાસ સ્થાન, ધ્યાન કક્ષ, બાથરૂમ, કાર્યાલય અને બીજા ક્ષેત્રોમાં ધ્યાન આપવું જરૂરી હોય છે. સેવકોની માનસિક તૈયારી હોવી જોઈએ કે ભોજન બનાવવા અને સફાઈ કામ સિવાય ક્યારેક ક્યારેક થતાં રોજીંદા કામ જો જરૂર હોય તો કરવા પડે.

કેન્દ્રની સંપત્તિનો ઉપયોગ

વિપશ્યનાના દરેક સાધક એ પ્રતિજ્ઞા લે છે કે જે તેમને નથી આપવામાં આવ્યું તે લેવાથી વિરત રહેશે. ધમ્મ સેવકોએ એટલા માટે કાળજી લેવી જોઈએ કે પ્રબંધકોથી પહેલા પરવાનગી લીધા વિના કેન્દ્રની સંપત્તિ તેમના નિવાસ સ્થાન માટે અથવા વ્યક્તિગત ઉપયોગ માટે ના લઈ જાય.

કેન્દ્ર પર લાંબા સમય રહેવું

સહાયક આચાર્ય સાથે વાતચીત કરીને, ગંભીર સાધકો ધર્મના સૈદ્ધાંતિક પક્ષમાં અને અભ્યાસમાં વધુ સ્થિત થવા કેન્દ્ર પર લાંબા સમય સુધી રહી શકે છે. આ સમય દરમ્યાન, સહાયક આચાર્યો અને પ્રબંધકો સાથે વિચાર વિમર્શ કરી નક્કી કર્યા મુજબ, તેઓ અમુક શિબિરોમાં ધ્યાન કરી શકશે અને અન્યમાં સેવા આપી શકશે.

દાન

સાધકોની આચાર સંહિતા જણાવે છે કે શિબિરોમાં અથવા કેન્દ્રો પર, કાં તો વિદ્યા શીખવાડવા માટે, અથવા ભોજન, નિવાસ અથવા સાધકોને આપેલી અન્ય સુવિધાઓ માટે કોઈ શુલ્ક નથી હોતો. આ નિયમ ધમ્મ સેવકો માટે પણ લાગુ થાય છે.

શુદ્ધ ધર્મની શિક્ષા હંમેશા નિઃશુલ્ક અપાય છે. ભોજન, નિવાસ તથા અન્ય સુવધિઓ જૂના સાધકોના દાનથી શક્ય બનતાં ભેંટ તરીકે અપાય છે. ધમ્મ સેવકોએ આ સમજવું જોઈએ અને પ્રાપ્ત થયેલી ભેંટનો શ્રેષ્ઠ ઉપયોગ કરતાં સેવા આપવી જોઈએ, જેથી દાન આપનાર સાધકોને તેમના દાનનો વધુમાં વધુ લાભ મળે. એની સામે, સેવકો બીજાઓના લાભ માટે યથાશક્તિ દાન આપી તેમની પોતાની દાનની પારમી વિકસાવી શકે છે. શિબિરો અને કેન્દ્રો કૃતજ્ઞ સાધકોના દાનથી જ ચાલે છે.

કાં તો પૈસા આપી અથવા અન્ય કોઈ રીતે, કોઈ પણ વ્યક્તિ પોતાના માટે ચુકવણી ના કરે. પ્રત્યેક દાન બીજાઓના હિત માટે હોય છે. ધર્મ સેવા પણ ભોજન અને નિવાસ માટે ચુકવણીનું રૂપ ના હોઈ શકે. ઉલટામાં, સેવા સેવકોના પોતાના માટે લાભકારી હોય છે, કારણ કે તે અમુલ્ય ધર્મ પ્રશિક્ષણમાં વધારો કરવાનો તેમને મોકો આપે છે. શિબિર અથવા કેન્દ્ર સાધના કરવા અને સાથે સાથે બીજાઓ સાથે કરુણા અને નમ્રતાનો વ્યવહાર કરતાં શીખી ધર્મને વ્યવહારમાં લાવવાના અભ્યાસની તક આપે છે.

સમાપન

ધમ્મ સેવકોએ સહાયક આચાર્યો અને પ્રબંધકોના માર્ગદર્શનને અનુસરતાં સેવા આપવી જોઈએ. તેઓએ કોઈ પણ પ્રકારે સાધકોને ખલેલ પહોંચાડ્યા વિના તેમની સહાયતા કરવા તે બધું કરવું જોઈએ જે તેઓ કરી શકે છે. સેવકોનો વ્યવહાર એવો હોવો જોઈએ કે જે લોકો ધર્મ પ્રત્યે સંદિગ્ધ છે તેઓમાં ધર્મ પ્રત્યે પ્રેરણા જાગે અને જે લોકોમાં પહેલેથી જ વિશ્વાસ છે તેઓની શ્રદ્ધા વધે. તેઓએ હંમેશા યાદ રાખવું જોઇએ કે તેમની સેવાનો ઉદ્દેશ્ય બીજાઓને મદદ કરવાનો છે, અને તેમ કરતાં પોતાને ધર્મમાં વિકાસ કરવા મદદ કરે.

જો આ નિયમો તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી કરતા હોય, તો કૃપા કરીને સહાયક આચાર્ય અથવા પ્રબંધકો પાસેથી તાત્કાલિક સ્પષ્ટતા મેળવી લો.

તમારી સેવા ધર્મના માર્ગ પર, મુક્તિના માર્ગ પર, બધા દુખોમાંથી છૂટકારાના માર્ગ પર, સાચા સુખના માર્ગ પર પ્રગતિ કરવામાં તમને મદદ કરે.

સૌનું મંગળ થાઓ!